બલા અને…

May 21st, 2010 by 'સાગર'

આમ તો મારે કોઈ રકજક નથી બલા,
હાથીની છો બેન એ કોઈ શક નથી બલા.
તું કરે છે હેરાન મને, હું કરું મનને,
તારા-મારામાં જરાય ફરક નથી બલા.
બોલતાં તું તકલીફ ન લે શ્વાસ લેવાની,
તોયે તું કહે તારી બકબક નથી બલા.
ગરોડી-વંદાને જોઈને તું મૂકતી દોટ,
મને જોઈ વધતી ધકધક નથી બલા???
‘સાગર’ પાવડર-ક્રિમના થર છે માર્યા,
છતાં ગુલાબી મુખડે ચમક નથી બલા.

                                   - ‘સાગર’ રામોલિયા

ઈશ્વર ખોવાયો

May 17th, 2010 by 'સાગર'

છાપામાં છે જાહેરાત ઈશ્વર ખોવાયો,
ઘરે-દરે થાય વાત ઈશ્વર ખોવાયો.
બિલાડી મ્યાઉં કરતી શોધે છે દરમાં,
કૂતરાં પામ્યાં આઘાત ઈશ્વર ખોવાયો.
સૌથી વધુ વ્યાકુળ થઈ છે પેલી કીડી,
ઉપવાસ કર્યા સાત ઈશ્વર ખોવાયો.
કરોળિયે પણ ખૂંદી નાખ્યાં જાળેજાળાં,
પોલીસે માંડી પંચાત ઈશ્વર ખોવાયો.
‘સાગર’ બલાએ જોયો તેને ચીંથરેહાલ,
ભિખારીએ મારી લાત ઈશ્વર ખોવાયો.
                               - ‘સાગર’ રામોલિયા

ભાંગરો ન વાટ

May 14th, 2010 by 'સાગર'

મરચાં, લસણ વાટ, ભાંગરો ન વાટ!
ભલે પડ ચતોપાટ, ભાંગરો ન વાટ!
રહેલ હોય મીઠાના ગાંગડા તારામાં,
વાટ વિના ગભરાટ, ભાંગરો ન વાટ!
ઉપયોગ ન થાય તો બંધ રાખ બુદ્ધિ,
ભલે લાગી જાય કાટ, ભાંગરો ન વાટ!
રોનાર પાછળ ન હો’ તો કર ન ચિંતા,
ખુદ રડ હૈયાફાટ, ભાંગરો ન વાટ!
ભવાં ચડાવી ‘સાગર’ બલા બોલી, ‘રાખ’,
તું પડીશ ઊંધા ખાટ, ભાંગરો ન વાટ!
                                  - ‘સાગર’ રામોલિયા

હઝલ-માણસ

May 7th, 2010 by 'સાગર'

કાગડાની જેમ જાગશે માણસ,
કુંભકર્ણ જેવું ઊંઘશે માણસ.

દોરની શી જરૂર, પૂંછડું બાંધો,
પતંગની જેમ ઉડશે માણસ.

કાચા રંગ જેવો સ્વભાવ છે એનો,
દરેક જગ્યાએ ચોટશે માણસ.

વગર પાંખે ઉડવા મથે ઊંચે,
ગોદડાં ઓઢીને રડશે માણસ.

બલા બોલી ‘સાગર’ ખાડો ખોદાશે,
આંધળો બનીને પડશે માણસ.
                      - ‘સાગર’ રામોલિયા

હઝલ-કચરાના ભાવે

May 1st, 2010 by 'સાગર'

માનવ જિંદગી જોવાય કચરાના ભાવે,
સારા ગુણ પણ ગુણાય કચરાના ભાવે.
રોબોટની શક્તિ ઉપર શ્રધ્ધા વધારે છે,
માનવનું મન ગણાય કચરાના ભાવે.
ચૂંટાયેલા સભ્યનો ભાવ છે લાખો-કરોડો,
ને ગરીબ પ્રજા વેંચાય કચરાના ભાવે.
‘ભાઈ’ઓની માગણી રાખે સર આંખો પર,
મજૂરોનું લોહી ચૂસાય કચરાના ભાવે.
બલા બબડી ‘સાગર’ ધ્યાન રાખી લખવું,
નહિ તો રચના વંચાય કચરાના ભાવે.

                                      - ‘સાગર’ રામોલિયા

હઝલ-બલા અને તેનો સાજન

April 27th, 2010 by 'સાગર'

તું ધગતો ધણી, હું તારી બાયડી સાજન,
જનમોના પાપે હું તને આથડી સાજન.
તારી કે મારી કોઈ ખબર નથી લેતું,
તૂટ્યું જોડું તું, હું પનોતી ચાખડી સાજન.
તારા-મારા અવાજે લોકો કાને હાથ દેતાં,
તું કૂડો કાગડો, હું કાળી કાગડી સાજન.
મળશે નહિ તારા-મારા સંબંધનો જોટો,
તું ઊનો ઢેબરો, હું ઊની તાવડી સાજન.
બલા કહે ‘સાગર’ મોઢાં સડેલાં આપણાં,
તોયે બંનેને જોવા થાય પડાપડી સાજન.
- ‘સાગર’ રામોલિયા

હઝલ-બધે નડે

April 22nd, 2010 by 'સાગર'

કરમ-બુંધિયાર બધે આડા નડે,
ભેંસને દોહવા જતાં પાડા નડે.

બાયલા પણ આગળ વધવા મથે,
રસ્તા ઉપર પડેલા ખાડા નડે.

દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,
ને સરકારી નિયમોના વાડા નડે.

દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,
ગુંડા પહેલવાનના અખાડા નડે.

‘સાગર’ને નીકળવું છે સારા કામે,
વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.
                           - ‘સાગર’ રામોલિયા

હઝલ-બલા(મુસીબત) બોલી બેફામ

April 19th, 2010 by 'સાગર'

હવે જામી ગયો જંગ, બલા બોલી બેફામ,
કાગડીને રાખી સંગ, બલા બોલી બેફામ.
ભાડે લીધો અવાજ કૂતરાં-મીંદડાં તણો,
પૂંછડી રાખીને તંગ, બલા બોલી બેફામ.
દુનિયાનો સમુદ્ર જાણે તેનામાં સમાયો,
મોઢેથી કાઢી તરંગ, બલા બોલી બેફામ.
મહા તપસ્વીઓને પણ રહ્યું નહિ ભાન,
કરતી તપનો ભંગ, બલા બોલી બેફામ.
‘સાગર’ ગળી ગઈ હો’ જાણે આખી બંદૂક,
નિશાન તાકી અઠંગ, બલા બોલી બેફામ.

                                   – ‘સાગર’ રામોલિયા

હઝલ-રાજા

April 17th, 2010 by 'સાગર'

ભાજીપાલો ખૂબ ખાતા રાજા,
ઝટ કળશિયે જાતા રાજા.
જાણ્યું-ન જાણ્યું ને ગુસ્સો આભે,
થઈ જાતા ખૂબ રાતા રાજા.
વાતાનુકૂલમાં પડ્યા રહી,
ગરમ પાણીથી ના’તા રાજા.
નિર્દોષ હોય તો આપે ફાંસી,
દાદાઓનાં ગીત ગાતા રાજા.
‘સાગર’ બલાનું મન ભમ્યું,
છેલ્લે ઊંધે ખાટ થાતા રાજા.

                              – ‘સાગર’ રામોલિયા

હઝલ-ચમચો ન થા

April 14th, 2010 by 'સાગર'

થાજે   તું  બધું  પણ   ચમચો ન  થા,
હવામહેલ    ચણ    ચમચો    ન    થા.
કામ  મળે  ન  બીજું   કર   ન   ચિંતા,
ભલે  કૂતરાં   ગણ   ચમચો   ન    થા.
તું    નરબંકો     તું     વીર     બહાદુર,
ભલે    ઉંદર    હણ   ચમચો   ન   થા.
કાંદા   ખાઇ  ભલે  આંખે  રાખ  આંસુ,
મનમાં   રાખ   રણ   ચમચો  ન   થા.
‘સાગર’   બાફ્યું   ઉતાવળે   બલાએ,
એ, છક્કા જેવા જણ ચમચો ન થા.
                          -’સાગર’ રામોલિયા

હઝલ-ચમચો

April 12th, 2010 by 'સાગર'

નેતા-પ્રજા વચ્ચેનો પુલ ચમચો,

કૌભાંડના   ખીલવે   ગુલ   ચમચો.

મીઠી વાણીથી પ્રજાને ભોળવતો,

જાણે     મીઠુંડું    બુલબુલ    ચમચો.

શરીરે આવે ઘાટી એમાં શું માલ?

ખોરાક  ખાય  છે    ’અમૂલ’   ચમચો.

વગર    પૈસે    કોઈ    કામ   કરી  દે,

કરે     ન     એવી     ભૂલ      ચમચો.

‘સાગર’  બલાની  કરો  ચમચાગીરી,

ફાયદો    કરાવે    અતુલ     ચમચો.

(અમૂલ-દૂધ, ઘી, માખણ વગેરે,

અતુલ-તુલના વગર)

                         -  ’સાગર’ રામોલિયા

હઝલ-રોતલ ચહેરા

April 11th, 2010 by 'સાગર'

નથી ખબર આ કયા જનમના ફેરા છે,

હાસ્યની નગરીમાં રોતલ ચહેરા છે.

કલ્પનાના રસ્તે કેમ વધું હું આગળ,

જોઉં છું આગળ તો કવિઓના ઘેરા છે.

આખા નગરમાં કાંસકાનાં કારખાનાં,

રહેનાર તેમાં બધાં જ ટાલકેરાં છે.

શેર શરૂ થયા પે’લા સાંભળ્યું ‘વાહ, વાહ’,

માની લીધું ત્યારે બધાં જ અદકેરાં છે.

‘સાગર’ બલાએ સજાવી છે મહેફિલ,

પરંતુ તેમાં બેઠેલાં બધાં બહેરાં છે.

                                    - ‘સાગર’ રામોલિયા

હઝલ એટલે શું?

March 30th, 2010 by 'સાગર'

ગઝલનું હાસ્ય-કટાક્ષ સ્વરૂપ એટલે હઝલ… વાંચો બાજુના પાનાં સાગરનાં અને પોસ્ટમાં

આપણે આવી રીતે પણ મળીએ

March 17th, 2010 by 'સાગર'